સીટ પર બેસતાં જ ચાલકના વજનથી સાયકલ સરકે, હેન્ડલથી વેગ પકડે..!

બે મૌલિક ટેકનિક ઉમેરીને વાંકાનેરના વૃદ્ધે બનાવેલી ‘અમેઝિંગ બાઈસિકલ’
વાંકાનેર : સાયકલ પેડલ લગાવ્યા વિના ચાલવા માંડે તે વાત કોઈના માનવામાં ન આવે. પરંતુ વાંકાનેરના ઉત્સાહી કારીગર અયુબખાન પઠાણે સાયકલમાં નવી ટેકનીક શોધી છે. સાયકલના ફોલ્ડીંગ એવા હેન્ડલને નીચે તરફ પ્રેશર આપી નમાવો તેમજ સાયકલની સીટ પર બેસતા જ ચાલકના વજનથી સાયકલ ચાલવા લાગે છે, પેડલ મારવા પડતા નથી.

વાંકાનેરમાં ત્રણેક પેઢીથી સાયકલના ધંધા સાથે સંકળાયેલા અને સાયકલ પાર્ટસનો ધંધો કરતા અયુબખાન પઠાણે સાયકનું નવું ટેકનીકસભર મોડલ તેમના લઘુબંધુ અને પુત્રોની સંયુક્ત મદદથી બનાવ્યું છે.

આ મોડલ વિશે અયુબખાન જણાવે છે કે આ સાયકલને અમેઝિંગ બાઈસીકલ નામ આપ્યું છે. આ નવા મોડલમાં સામાન્ય સાયકલની જેમ પેડલ લગાવીને ચાલે તો છે જ પણ તેની સાથે સાથે આગલા અને પાછલા વ્હીલને ગતિમાન કરતી બે નવી ટેકનીક ઉમેરી છે. આગલા વ્હીલમાં ફ્રી વ્હીલ ચેન અને ચેન વ્હીલ ચક્કરને ફીટ કરીને હેન્ડલ ઉપર નીચે થઈ શકે તેવું ફોલ્ડીંગ ફિટીંગ બનાવાયું છે. જેથી સાયકલ ચલાવતી વેળા હાથ વડે હેન્ડલને નીચે તરફ પ્રેશર આપી નમાવતા રહેવાથી આગલું વ્હીલ ગતિ પકડે છે. પાછળના વ્હીલમાં એક વધારાનું ફ્રી વ્હીલ ફીટ કરાયું છે, તેમાં વધારાની ચેઈનની લીંક સીટ સાથે જોડાયેલી છે તેમજ સીટ ફોલ્ડીંગ બનાવાઈ છે જેથી સીટ પર વજન આવતા જ તે નીચે તરફ નમે એટલે પાછલું વ્હીલ વેગ પકડે છે. આમ સાયકલની સીટ પર બેસવાથી શરીરના વજનથી સાયકલને વેગ મળે છે.

અયુબખાને જણાવ્યું હતું કે અમે સાયકલનું પ્રાયોગિક મોડેલ બનાવ્યું છે તે વેચાણ માટે નથી બનાવ્યું. પરંતુ આ નવી ટેકનીક લોકો માટે ઉપયોગી બની શકે તેમ છે. જો સાયકલ બનાવતી કંપનીઓ તેની સાયકલના મોડલમાં આ ૧૫ ટેકનીક ઉમેરે તો લોકોને થોડી વધારાની કિંમત ચૂકવવાથી નવી સુવિધાસભર સાયકલ ઉપલબ્ધ થઈ શકે.

વતર્માન સમયમાં પેટ્રોલના ઉંચા ભાવ અને પર્યાવરણ દૂષિત કરનારા વાહનોને પગલે સૌથી સસ્તુ ગણાતું દ્વિચક્રી વાહન સાયકલની માંગ યથાવત રહી છે, ત્યારે આ નવી ટેકનીકવાળા મોડલો સર્વમાન્ય સામાન્ય બને તેમ છે.

Source By: Sandesh